Kailash Yatra

kailash yatra: કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા, રેસક્યુ ઓપરેશન યથાવત

નવી દિલ્હી, 06 ઓગષ્ટઃ kailash yatra: હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ગત મંગળવારે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે. બીજી તરફ, કિન્નૌરમાં કિન્નર કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા.

આ ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું, જેમાં ટ્રેકિંગના રસ્તાનો એક મોટો ભાગ તણાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ, 4ના મોત નીપજ્યા- 50 લોકો ગુમ

ITBP, ટ્રાવર્સ ક્રોસિંગ ટેકનિકનો ઉપયોગ કરીને યાત્રાળુઓને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જઈ રહી છે. આ અભિયાનની સંપૂર્ણ જવાબદારી એક ગેઝેટેડ અધિકારીએ લીધી છે, જેમાં 4 સબઓર્ડિનેટ ઓફિસર્સ અને 29 અન્ય લોકોએ NDRF સાથે મળીને મદદ કરી. ઘટના બનતા જ ITBP અને NDRFની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. હાલ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.

આ દરમિયાન, IMDએ હવામાનને લઈને ચેતવણી જાહેર કરી છે, જેમાં હિમાચલ સહિત ઘણી જગ્યાઓ પર હળવા વરસાદની શક્યતાઓ છે. તેમજ સિરમોર, બિલાસપુર, સોલન, શિમલા અને મંડી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત, ઊના, ચંબા, કાંગડા, હમીરપુર, લાહુલ અને સ્પીતિ, કિન્નૌર જિલ્લામાં ઘણી જગ્યાઓ પર હળવો વરસાદ થઈ શકે છે. હાલ શિમલામાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Accident Case: ન્યૂયોર્ક ખાતે ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોનો કાર અકસ્માતમાં મોત નીપજ્યુ, વાંચો વિગત