Deported From America

Deported from America: અમેરિકાએ 112 ભારતીયોને ડિપોર્ટ કર્યા, તેમાથી 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Deported from America: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા.

જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Earthquakes: તિબેટથી દિલ્હી સુધી 17 કલાકમાં પૃથ્વી 10 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, વાંચો સંપૂર્ણ વિગત

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરુ કરી દીધું છે. આ અભિયાન હેઠળ જ 5 ફેબ્રુઆરીએ ભારતમાં પહેલી ફ્લાઇટ અમેરિકાથી મોકલાઈ હતી જેમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા. આ ફ્લાઇટમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતના જ લોકો હતા.

આ પણ વાંચોઃ Cyber Crime Helpline:તમારી સાથે ઓનલાઇન ફ્રોડ, તો તરત જ આ નંબર પર કૉલ કરો- વાંચો સંપૂર્ણ વિગત