જામનગર, 26 સપ્ટેમ્બરઃ Death During Running: યુવાનોમાં પોલીસ અને લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે, જેમાં શારીરિક કસોટી પાસ કરવા માટે યુવાનો મહેનત કરવા લાગી ગયા છે. આવામાં જામનગરમાં એક દુઃખદ ઘટના બની છે કે જેમાં દોડવાની પ્રક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થઈ ગયું છે. મેદાનમાં જ્યારે યુવાનો દોડ લગાવી રહ્યા હતા ત્યારે એક યુવાન અચાનક થાક ખાવા ઉભો હોય તેમ અટકી ગયો હતો અને જમીન પર ફસડાઈ પડ્યો હતો.
યુવાનો હાલ ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતીની તૈયારીમાં લાગી ગયા છે, ગાંધીનગર હોય કે ગામડાના વિસ્તારો મોટી સંખ્યામાં યુવાનો શારીરિક કસોટીમાં પાસ થવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. મેદાન વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો દોડની તૈયારી કરી રહ્યા છે. આવામાં કેટલાક યુવાનો માટે અમુક ચોક્કસ સમયમાં દોડ લગાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે અને પરીક્ષા નજીક છે ત્યારે તેઓ તૈયારીઓ કરી રહ્યા છે. આવામાં જામનગરમાં બનેલી ઘટના યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
મળતી વિગતો મુજબ જામનગરના લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં યુવાનો આગામી ભરતી માટે શારીરિક કસોટીની તૈયારી કરી રહ્યો હતો. જય જોગલ નામનો યુવક આહીર સમાજ વિદ્યાર્થી ભવનમાં વહેલી સવારે દોડવાની પ્રક્ટિસ કરી રહ્યો હતો.
આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેમાં દેખાય છે કે જય બુધવારે સવારે દોડવાની પ્રક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક થંભી ગયો હતો, આ પછી ગણતરીની સેકન્ડોમાં યુવક મેદાનમાં ફસડાઈ પડ્યો હતો અને બાકી યુવાનો તેની પાસે દોડી આવ્યા હતા.
જયની ગંભીર સ્થિતિ જોતા તેને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાએ અન્ય યુવાનોને પણ હચમચાવી દીધા હતા. દોડવાની પ્રક્ટિસ કરતી વખતે જે યુવકનું મોત થયું છે તેના પિતા ભરૂડિયા ગામના સરપંચ હોવાની પણ વિગતો મળી રહી છે.

