Gujarat Rain Forecast

Heavy Rain Forecast: વલસાડમાં રેડ એલર્ટ તો ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: Heavy Rain Forecast: ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 25થી 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 24 કલાકમાં વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમણે આગાહીમાં જણાવ્યું છે કે, “આજે વલસાડ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે.” આ સાથે તેમણે જણાવ્યું છે કે, નવસારી, ડાંગ, તાપી, સુરત અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ Death During Running: ગુજરાતમાં પોલીસની ભરતી માટે રનિંગ પ્રક્ટિસ કરતા એક યુવકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ, વાંચો વિગત

એ. કે. દાસે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, “મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.”

તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે, “આજે અમદાવાદમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જે નોર્મલથી બે ડિગ્રી વધારે તાપમાન છે. લઘુત્તમ તાપમાન પણ નોર્મલ ડિગ્રીથી વધારે નોંધાયું છે.”

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આવતીકાલે શુક્રવારે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ Russia Ukraine War:યુક્રેનને રશિયામાં ઘૂસીને હુમલો કરવાની આપી છૂટ, હવે રાષ્ટ્રપતિ પુતિને લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં એટલે કે છ કલાકમાં કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ઉમરગામ, પારડી, વાપી, માલિયા હાટીના, ધરમપુરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, “બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનના એન્ટી સાયક્લોન પવનો તેને આગળ વધવા દેશે નહીં. આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 25થી 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ-કોઈ ભાગમાં 8થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે, આ ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે.”