Dehli Blast Update

Dehli Blast Update: દિલ્હી લાલ કિલ્લા પાસે બનેલી કાર વિસ્ફોટની ઘટના અંગે 4 ડોક્ટર્સના નામ સહિત થયા અનેક ખુલાસા

દિલ્હી, 12 નવેમ્બરઃ Dehli Blast Update: ગઈકાલના દિલ્હી કાર બ્લાસ્ટ કેસનું રહસ્ય હજુ પણ વણઉકેલાયું છે. લાલ કિલ્લાના ગેટ નંબર 1 પાસે કારમાં વિસ્ફોટ કેમ થયો? આ ઘટના કોણે કરી? તેની પાછળ કયા આતંકવાદી સંગઠનનો હાથ છે? આ પ્રશ્નોના જવાબોની શોધ ચાલુ છે. ત્યારે કારમાં વિસ્ફોટ સ્પષ્ટપણે આત્મઘાતી આતંકી હુમલા તરફ ઈશારો કરી રહ્યો છે, તેમ હાલ પોલીસ તથા સુરક્ષા એજન્સીનું માનવું છે, તપાસ અધિકારીઓ માને છે કે કારમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા અને કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

આટલું જ નહીં, આ કાર બ્લાસ્ટની ઘટના અંગેની હાલની તપાસને આધારે સુરક્ષા એજન્સીઓએ શંકાઓ વ્યક્ત કરી છે કે, ગઈકાલે સવારે હરિયાણાના ફરિદાબાદ શહેરમાં એક કોલેજમાં આતંકી પ્રવૃત્તિનો ભાંડા ફોડ થયો હતો અને ત્યાર બાદથી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો ડૉ. ઉમર મોહમ્મદ નામના વ્યક્તિ ફરાર છે, જે દિલ્હી કાર બ્લાસ્ટ સમયે કારમાં જ હાજર હતો. તેથી આ બ્લાસ્ટના મુખ્ય આરોપી તરીકે તપાસ એજન્સીઓ ડો. ઉમરને જવાબદાર ઠેરવી રહી છે. અધિકારીઓના મતે આ એક આત્મઘાતી હુમલો હતો, જેથી બ્લાસ્ટનો આરોપી ડો. ઉમર મૃત છે કે જીવિત તે જાણી શકાયું નથી. વધુમાં આ મામલે તેની માતા અને ભાઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓ મુજબ, કથિત આતંકવાદી ડૉ. ઉમર, ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ પર્દાફાશ થયા બાદથી વોન્ટેડ હતો. જે તપાસમાં ગઈકાલે સવારે જ તપાસ દરમિયાન અધધ 2500 કિલોથી વધુ માત્રામાં વિસ્ફોટ જથ્થો જપ્ત કરાયો છે, જેથી સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, આ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ જ ગઈકાલના દિલ્હી લાલ કિલ્લા કાર બ્લાસ્ટમાં સામેલ છે. જોકે આ મામલે હાલ તપાસ ચાલી રહી છે, ત્યારે હાલની તપાસમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓને શું શું ધ્યાને આવ્યું? અને આ મામલે તપાસ ક્યાં પહોંચી? તથા હાલ સુધીમાં આ મામલે કેવા કેવા તથ્યો સામે આવ્યા છે, ચાલો આ સ્ટોરીમાં આ બાબતે વિગતવાર માહિતી મેળવીએ….

1. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે દિલ્હી લાલ કિલ્લાના ગેટ નંબર 1 પાસે થયેલી આ કાર વિસ્ફોટની ઘટના એક આતંકવાદી ષડયંત્ર હોઈ શકે છે. કારણ કે ગઈકાલે જ (સોમવારે) સવારે દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસે જે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. સવારે આ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ સાંજે દિલ્હીમાં આ વિસ્ફોટ થયો હતો, જેથી કારમાં બ્લાસ્ટ થયાનો પેટર્ન જોતા આ ઘટનાક્રમ પરસ્પર જોડાયેલી હોઈ શકે છે.

2. કારમાં બ્લાસ્ટ થયો ત્યારે પુલવામાનાં રહેવાસી ડૉ. ઉમર મોહમ્મદ કારમાં હાજર હતો. ગઈકાલે સવારે સુરક્ષા એજન્સીઓએ હરિયાણા ફરીદાબાદની જે જગ્યાએ કાર્યવાહી કરી તે અલ ફલાહ મેડિકલ કોલેજમાં આ ડો. ઉમર નબી પ્રોફેસર તરીકે કામ કરતો હતો. યુનિવર્સિટીમાં ગઈકાલે થયેલી કાર્યવાહી બાદથી જ આ ડો. ઉમર ફરાર છે. જેથી પોલીસને શંકા છે કે દિલ્હી કાર બ્લાસ્ટ એક આત્મઘાતી હુમલો હતો અને આ માટે કારમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા, જેમાં ડો. ઉમર મોતને ભેટ્યો છે, જોકે આ વાતની પુષ્ટિ ડીએનએ ટેસ્ટ બાદ જ થશે.

3. આ તરફ ગઈકાલે ફરીદાબાદ અલ ફલાહ યુનિવર્સિટીની કાર્યવાહીમાં આતંકવાદી કનેક્શનમાં ડો. ઉમરના સહકર્મી પ્રોફેસર ડૉ. મુઝમ્મિલ શકીલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના રૂમમાંથી મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ, એક AK-47 રાઈફલ અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. જેથી દિલ્હી કાર વિસ્ફોટ પાછળ ડૉ. મુઝમ્મિલ શકીલ સહિત અન્ય ત્રણ ડોક્ટર ડૉ. આદિલ અહેમદ રાથર (જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર લગાવવા બદલ ધરપકડ), ડૉ. મોહિઉદ્દીન (ગુજરાત ATS અમદાવાદમાં) અને એક મહિલા ડો. શાહીનની પણ સંડોવણી હોઈ શકે છે, કારણ કે યુનિવર્સિટીમાં કાર્યવાહી દરમિયાન ચાર ડોક્ટરોની ધરપકડ થઈ હતી, જોકે એક ડોક્ટર ઉમર ફરાર હતો, જે કાર બ્લાસ્ટ સમયે ઘટનાસ્થળે CCTVમાં રેકોર્ડ થયો છે.

4. દિલ્હી બોમ્બ વિસ્ફોટની આ ઘટના આસપાસના વિસ્તારમાં લગાવેલા CCTV કેમેરામાં રેકોર્ડ થઈ છે. જે CCTV ફૂટેજમાં બ્લાસ્ટ થનાર i20 કારમાં કેટલાક લોકો સવાર દેખાઈ રહ્યા છે. કારના ડ્રાઇવરે કાળું માસ્ક પહેરેલું છે. ત્યારે આ કાળા માસ્કવાળો વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ સુરક્ષા એજન્સીઓએ આતંકી જાહેર કરેલ ડો. ઉમર મોહમ્મદ પોતે જ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો મુજબ વિસ્ફોટ પહેલા ડો. ઉમર સાથે અન્ય બે આતંકવાદીઓ પણ હાજર હતા. જોકે વિસ્ફોટ સમયે કારમાં ડો. ઉમર એકલો સવાર હતો, ત્યારે આ મામલે સત્તાવાર તપાસ ચાલુ જ છે.

આ પણ વાંચોઃ Balika Samridhi Yojana: શું તમને પણ દિકરીના ભણતર માટેના ખર્ચની ચિંતા છે?, તો જાણો આ સહાય યોજના વિશે…

5. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કાર વિસ્ફોટ પાછળ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)નો હાથ હોવાની શંકા છે. એવી શંકા સેવાઈ રહી છે કે કાર વિસ્ફોટમાં JeMના સભ્યોનો પણ હાથ હતો. કારણ કે IED પ્લાન્ટ કરવું અને કારમાં વિસ્ફોટ કરવો એ JeM મોડ્યુલનું કાર્ય છે, જેનાં ઉત્તમ ઉદાહરણ તરીકે આતંકવાદીઓએ પુલવામામાં કરેલા 2019ના ટેરર અટેકને આપણે લઈ શકીએ છીએ, ત્યારે પુલવામા અટેકની જેમ જ આ પણ એક આત્મઘાતી હુમલો હોવાની આશંકા સેવાઈ રહી છે.

6. આટલું જ નહીં, ગઈકાલે યુનિવર્સિટીમાંથી પકડાયેલ મહિલા ડૉ. શાહીન ભારતમાં જૈશ આતંકવાદી સંગઠન માટે કામ કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડૉ. શાહીન ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ ‘જમાત-ઉલ-મોમિનત’ માટે આતંકવાદીઓની ભરતી માટે જવાબદાર હતી અને તે ડાયરેક્ટ પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરની બહેન તથા તાજેતરમાં કંધહાર હાઈજેકના માસ્ટરમાઈન્ડ યુસુફ અઝહરની પત્ની સાદિયા અઝહરના ઈશારે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી. જેથી આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM)નો હાથ હોવાની શંકાએ જોર પકડ્યું છે.

7. વધુમાં તપાસ દરમિયાન પોલીસે, તપાસ દરમિયાન આરોપી ડૉક્ટર ઉમરના વતન જમ્મુ અને કાશ્મીરમાં પણ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પુલવામામાંથી કાર માલિક તારિક, સહિત ડો. ઉમરના બે ભાઈ, તેની માતા તથા તેના પિતાની અટકાયત કરવામાં આવી છે અને તેઓની પણ કડક પૂછપરછ શરૂ કરી છે. આટલું જ નહીં ઘટનાની તપાસમાં વિવિધ સ્થળોએથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે, આશરે 13 લોકોની શંકાસ્પદ તરીકે પૂછપરછ કરવામાં આવી રહી છે.

8. કાર બ્લાસ્ટની ઘટના બાદ દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ અને નજીકના હોટલોમાં રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે I-20 કારના રૂટનું CCTV મેપિંગ કર્યું હતું, જેમાં તે કાર દિલ્હીમાં ક્યાંથી અને કયા સમયે પ્રવેશી તથા લાલ કિલ્લા સુધીનો તે કઈ રીતે પહોંચી, તે તપાસ કરવામાં આવી હતી અને હાલ આ બાબતે દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ FIR નોંધી છે.

9. વધુમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાબતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસેથી ફરીદાબાદમાંથી મળેલા વિસ્ફોટકો અંગે માહિતી માંગી છે અને આજે પહેલો FSL રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી માહિતી હાલ સામે આવી છે. ત્યારે દિલ્હી પોલીસના આગામી આદેશ સુધી લાલ કિલ્લો જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

10. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ બાદ દેશની આંતરિક સુરક્ષા પરિસ્થિતિ પર એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ/સી), એનઆઈએ ચીફ અને આરએડબલ્યુ ચીફ હાજરી આપી હતી. અને આ મામલે NIA-National Investigation Agency (રાષ્ટ્રીય તપાસ એજન્સી)ને આ બ્લાસ્ટ બાબતે તમામ ગુત્થી ઉકેલવા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.

આ પણ વાંચોઃ Gujarat High Alert: દિલ્હી બ્લાસ્ટ બાદ ધાર્મિક સ્થળ સહિતની જગ્યાઓ પર સુરક્ષામાં વધારો, ગુજરાત હાઇએલર્ટ જાહેર