અમદાવાદ, 11 જુલાઇઃ Rain Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ 16 સુધી ચોમાસું સારું રહેશે.
જોકે, જુલાઈ 17 અને 18 ના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 94 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચોઃ Breaking News: સરકારનો મોટો નિર્ણય, ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે 30 થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જુલાઈ 12 સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે. જુલાઈ 12 સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.

