PD Champions Trophy

PD Champions Trophy: દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ બની વિજેતા, ઈંગ્લેન્ડને 79 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી

સ્પોર્ટ્સ ડેસ્ક, 22 જાન્યુઆરીઃ PD Champions Trophy: ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 79 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતની જીતમાં યોગેન્દ્ર ભદોરિયાની આક્રમક ઇનિંગ અને રાધિકા પ્રસાદની ઘાતક બોલિંગની મોટી ભૂમિકા રહી.

દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકામાં યોજાઈ હતી. ભારતે મંગળવારે રમાયેલી ફાઇનલમાં 20 ઓવરમાં 4 વિકેટે 197 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યાર બાદ ભારતીય બોલર્સે ઈંગ્લેન્ડને 118 રન પર આઉટ કરી દીધું હતું. યોગેન્દ્ર ભદોરિયાએ ખિતાબી મેચમાં શાનદાર બેટિંગ કરી. તેણે 40 બોલમાં 182.50ની સ્ટ્રાઇક રેટથી 73 રન બનાવ્યાં. જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ છે.

આ પણ વાંચોઃ Saif ali khan Property: સૈફ અલી ખાનની મુશ્કેલીમાં વધારો, 15000 કરોડની સંપત્તિ થઈ શકે છે જપ્ત! જાણો શું છે મામલો?

ત્યાર બાદ રાધિકા પ્રસાદે બોલિંગની આગેવાની લીધી. તેણે 3.2 ઓવરમાં 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કેપ્ટન વિક્રાંત કેનીએ ત્રણ ઓવરમાં 15 રન આપીને બે વિકેટ અને રવિન્દ્ર સાંતેએ ચાર ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લઈને તેમને સારો સાથ આપ્યો હતો.

વિક્રાંત કેનીએ મેચ બાદ કહ્યું, ‘આ અતુલ્ય ટીમને દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવવી એ મારી કારકિર્દીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ છે. પ્લેઓફથી લઈને ફાઈનલ સુધી, આ ટીમે તેની પ્રતિભા અને ભાવનાનું ઉજ્જવળ ઉદાહરણ રજૂ કર્યું,’ તેણે કહ્યું, ‘આ સિદ્ધિમાં દરેક ખેલાડીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ટ્રોફી માત્ર આપણી નથી, પરંતુ દરેક વિકલાંગ વ્યક્તિની છે જેણે ક્યારેય ભારત માટે ક્રિકેટ રમવાનું સપનું જોયું છે.’

મુખ્ય કોચ રોહિત જલાનીએ આ જીતનો શ્રેય ખેલાડીઓએ શક્ય તેટલી ઝડપથી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થવાને આપ્યો હતો. તેણે કહ્યું, ‘અમારા ખેલાડીઓએ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર ભાવના દર્શાવી અને દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કર્યો. અમારી આ જીત માત્ર ચેમ્પિયન બનવાના કારણે જ નહીં, પરંતુ અમારી ટીમના જુસ્સા અને પ્રતિબદ્ધતાને કારણે પણ ખાસ છે.’

આ પણ વાંચોઃ Unseasonal Rain: ગુજરાતવાસીઓને મળશે ઠંડીથી રાહત, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી- વાંચો વિગત