ગાંધનીગર, 15 ફેબ્રુઆરીઃ local Elections: આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે. મતદાન EVM દ્વારા આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.
ક્યાં-ક્યાં યોજાશે ચૂંટણી?
જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. તો સાથે જ રાજ્યની 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ સિવાય કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે.
અહીં યોજાશે પેટા ચૂંટણી?
મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 09 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે. માહિતી અનુસાર, આવતીકાલે કુલ 38,86,285 મતદાતાઓ મતદાન કરશે.
મહાનગરપાલિકાની 8 બેઠકો બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 7ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જયારે ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે.
66 નગરપાલિકાના 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. જયારે નગરપાલિકાની 1,844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. એટલે કુલ 1,677 બેઠકો પર ચૂંટણી થશે. સાથે જ પાલિકાની ચૂંટણી માટે કુલ 4,374 ઉમેદવારો મેદાને છે.
નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી રવિવારે મતદાન થવાનું છે. ત્યારે માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા. તો 5,775 ઉમેદવારી પત્ર માન્ય થયા. સાથે જ કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.
આ પણ વાંચોઃ Cyber Crime Helpline:તમારી સાથે ઓનલાઇન ફ્રોડ, તો તરત જ આ નંબર પર કૉલ કરો- વાંચો સંપૂર્ણ વિગત

