નવી દિલ્હી, 24 જુલાઇઃ Bullet Train Project Updates: ભારતમાં વર્ષોથી રાહ જોઈ રહેલા બુલેટ ટ્રેન મુદ્દે સરકારે મોટી અપડેટ આપી છે. દેશમાં ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેન દોડશે. જાપાનની મદદથી ભારતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
રેલવે મંત્રાલય દ્વારા લોકસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત તરફના હિસ્સાનું કામકાજ ડિસેમ્બર 2027 સુધીમાં પૂરું થશે. રૂ. 1.08 લાખ કરોડના ખર્ચે શરૂ થનારા આ પ્રોજેક્ટનો 81 ટકા ખર્ચ જાપાનની એક કંપની કરી રહી છે. બાકીનો ખર્ચ રેલવે મંત્રાલય, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને ભોગવશે.
Track slabs are on the move in Navsari, Gujarat, en route to the installation site, driving the #BulletTrain project forward with unwavering momentum and precision.🚆🏗️ pic.twitter.com/15Us7COcJc
— Ministry of Railways (@RailMinIndia) July 24, 2025
રેલવે મંત્રાલય દ્વારા લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વાપીથી સાબરમતી વચ્ચેના હિસ્સાનું કામકાજ ડિસેમ્બર, 2027 સુધી પૂરુ થવાની યોજના છે. જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ ડિસેમ્બર, 2029માં પૂર્ણ થશે. આ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ કુલ 508 કિ.મી. લાંબો છે. જાપાનની સરકાર નાણાકીય અને ટેક્નિકલ સહાય પૂરી પાડી રહી છે. બુલેટ ટ્રેન મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા નગર હવેલીમાં પસાર થશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન બનાવાશે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે.
મંત્રાલયે આગળ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યંત જટિલ છે. સિવિલ વર્ક, ટ્રેક, વીજ, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન અને ટ્રેનના સેટ મળ્યા બાદ તેનું સંપૂર્ણ કામકાજ પૂર્ણ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી જમીનનું હસ્તાંતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ભારતમાં એમએએચએસઆર કોરિડોરથી આગળ બુલેટ ટ્રેન નેટવર્કનું વિસ્તરણ અને કોમર્શિયલાઈઝેશન, આર્થિક અને પ્રવાસનની રીતે મહત્ત્વ ધરાવતા શહેરો વચ્ચે વધતી મુસાફરોની માગ પૂરી કરશે. આ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિ. વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ US Visa Rule Change: H-1B વિઝા નિયમોમાં મોટો ફેરફાર, ભારતીયો પર પડશે સીધી અસર- જાણો સંપૂર્ણ વિગત

