અમદાવાદ, 27 ડિસેમ્બરઃ AAP Youth Wing Proteste: ગઈકાલે અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભના દિવસે કાંકરિયા ખાતે આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ CYSS દ્વારા મોડીરાત્રે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી અને ધારાસભ્યો જ્યારે કાર્નિવલમાંથી રવાના થઈ રહ્યા હતા ત્યારે બહાર આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ દ્વારા બેનરો લઈને વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા ભાજપના ધારાસભ્યની ગાડી આગળ ઊભી રહી ગઈ હતી. અચાનક જ વિરોધપ્રદર્શન થતાં મુખ્યમંત્રીની સિક્યોરિટી અને પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. CM સિક્યોરિટી અને પોલીસે બેનરો દર્શાવનારા કાર્યકર્તાઓને દૂર ખસેડ્યા હતા.
આ બાબતે પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ગેરકાયદેસર મંડળીની રચના કરીને જેકેટમાં બેનરો સંતાડી લાવ્યા હતા.
મુખ્યમંત્રી જ્યારે પરત જઈ રહ્યા હતા ત્યારે સ્ત્રીઓને ન્યાય આપો તેવા સૂત્રોચાર સાથે મુખ્યમંત્રીના પાઇલોટિંગ ગાડીની આગળ આવી ગયા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કરતા તેમને ધક્કા-મુક્કી કરી હતી અને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી. ત્યારબાદ મણીનગરના ધારાસભ્યની ગાડી રોકી હતી. આ તમામ ઘટનાની અગાઉથી આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી અને નાગેન્દ્ર મિશ્રાને અગાઉથી જાણ હોવાથી તેમનું નામ પણ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું હતું.
આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂઆત કરી હતી કે આ ઘટનામાં વિરોધ કરવા અન્ય કોઈ કાર્યકરો આવ્યા હતા કે કેમ? આ કાર્યકરોને આર્થિક મદદ કોણે કરી છે? કોણે વિરોધ કરવા કાર્યકરોને ગાઇડન્સ આપ્યું છે? ત્રણ કાર્યકરો સામે પૂર્વ ગુના પણ રજૂ કરવામાં આવ્યા હતા.
જોકે, કાર્યકરોના એડવોકેટ યશવર્ધન કોષ્ટી અને રાહુલ કુમાર સોલંકીએ રજૂઆત કરી હતી કે, આ તમામ ગુના પોલીસ સ્ટેશનમાંથી જામીનપાત્ર છે તેમજ તેમની પર લાગેલી કલમો અનુસાર મહત્તમ 3 વર્ષની સજાની જોગવાઈ છે. કાર્યકરો જામીન આપવા તૈયાર હોવા છતાં ઉપરથી હુકમ છે તેમ કહીને તેમને ગેરકાનૂની રીતે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આરોપીઓને સામે બેલેબલ પ્રકારનો ગુનો હોવા છતાં નોટિસ આપ્યા વગર તાત્કાલિક તેમની ધરપકડ કરવામાંઆવી હતી. મેટ્રો કોર્ટે તમામ કાર્યકરોને 15 હજારના મુચરકે જામીન મંજુર કર્યા હતા. સાથે જ કોર્ટે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન બદલ મણીનગર પોલીસને તેમની સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી તેની નોટિસ પાઠવીએ 5 દિવસમાં ખુલાસો માંગ્યો છે.

