બિઝનેસ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃ E Vehicle Scheme: વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે કેન્દ્ર સરકારે પીએમ-ઈ ડ્રાઈવ નામની એક નવી યોજનાની જાહેરાત કરી છે. જેમાં ઇલેક્ટ્રિક ટ્રક, ટેમ્પો અને ટુવ્હીલર વાહનોની ખરીદી પર ફેમ-1 અને ફેમ-2 ની જેમ સબસિડી પણ મળશે. આ સાથે જ આ યોજના હેઠળ દેશભરમાં 88,500 જગ્યાએ નવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે.
LIVE: Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw @PIB_India https://t.co/60XdytWJJ7
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 11, 2024
પીએમ-ઈ ડ્રાઈવ યોજનાની સાથે કેબિનેટે ગ્રામીણ વિસ્તારોમાં 62,500 કિમી લાંબા નવા રસ્તા બનાવવાની પણ મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે આયોજિત કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જે મોટા નિર્ણયો લેવાયા, તેમાં પીએમ-ઈ-ડ્રાઈવ અને ગ્રામીણ સડક યોજનાના નવા તબક્કાનો સમાવેશ કરાયો છે. ગ્રામીણ સડક યોજનામાં આશરે 70 હજાર કરોડનો ખર્ચ થશે.
કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પીએમ-ઈ ડ્રાઈવ હેઠળ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથે ઇલેક્ટ્રિક વાહોને નવા સુધાર સાથે રસ્તા પર ઉતારવામાં આવશે. જેમાં બેટરીને પહેલાંની સરખામણીએ વધુ સારી બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ સમગ્ર યોજના પર આવનાર બે વર્ષોમાં 10,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

