અમદાવાદ, 21 ઓગષ્ટઃ Weather update: સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદનું જોર છે અને આગામી ચાર દિવસ સુધી કેટલાય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર ગીર સોમનાથમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. દીવમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે ડીસા, વલસાડ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડ્યો છે.
હાલમાં અરેબિયન સમુદ્ર અને ગુજરાત ઉપર અનુક્રમે 5.6 કિમી અને 7.6 કિમીની ઊંચાઈએ અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઑફશોર ટ્રફની રચના થઈ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 21, 2025
હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન અનુસાર દીવ, સુરત, નંદૂરબાર, અમરાવતીથી લઈને ઓડિશા સુધી મોન્સુન ટ્રફ પસાર થાય છે. તેના કારણે વરસાદ પડી શકે છે. આંતરિક ઓડિશા પર એક ડિપ્રેશન સર્જાયું છે જે ઓડિશાથી લઈને સાઉથ છત્તીસગઢ સુધી જાય છે અને આગામી 12 કલાકમાં લો પ્રેશર એરિયામાં નબળું પડે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ TMKOC: હવે કોમલ ભાભીએ પણ તારક મહેતા શો છોડ્યો! આ સાથે નવા ફેમિલીની થઇ સિરિયલમાં એન્ટ્રી- વાંચો વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 273 મિમી (10.74 ઈંચ) વરસાદ પડ્યો છે જે સૌથી વધુ છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં 153 મિમી છ ઈંચ વરસાદ થયો છે. પોરબંદરમાં 100 મિમી, જૂનાગઢમાં 95, ગીર સોમનાથમાં 85, અમરેલીમાં 78, ગીર સોમનાથમાં 74, વલસાડમાં 74, પાટણમાં 44, જામજોધપુરમાં 43, માળિયા હાટિનામાં 42 મિમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 20 ઑગસ્ટ, બુધવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
આ ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં 20મીએ અતિભારે વરસાદ પડી શકે છે. આ બધા જિલ્લા માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને તેમને ઑરેન્જ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાઓની સાથે સાથે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યના બાકીના જિલ્લાઓ માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. તે મુજબ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં 20 ઑગસ્ટે છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 22 ઑગસ્ટે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ઑરેન્ટ ઍલર્ટ આપવામાં આવ્યું છે અને તે દિવસે અહીં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

