અમદાવાદ, 01 જાન્યુઆરીઃ Weather Forecast: હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો જોઈએ નવા વર્ષના પહેલા પાંચ દિવસ હવામાનનો મિજાજ કેવો રહેશે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકે મંગળવારે બપોરે આગાહી કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.”
વધુમાં જણાવ્યું છે કે, “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આજે અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે. તે બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.”
આ પણ વાંચોઃ SpaDeX Mission: ISROએ રચ્યો ઇતિહાસ, Spadex મિશનનું સફળ લોન્ચિંગ કર્યું- વાંચો શું છે આ ખાસિયત?
મળતી માહિતી પ્રમાણે, મંગળવારે રાપરમાં સૌથી ઓછું 5.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે નલિયામાં 6 ડિગ્રી, થરાદમાં 7.7 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 8.7 ડિગ્રી, રાધનપુરમાં 9 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી અને અમદાવાદ 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
દેશના હવામાન પર નજર કરીએ તો દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાના બેઇઝ ગણાતા પહલગામમાં માઇનસ 8.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. શ્રીનગરમાં માઇનસ 3.5, કાઝીગંદમાં માઇનસ 7.5, દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં માઇનસ 5.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગે કાશ્મીરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અને સપ્તાહના અંતમાં બરફ વર્ષા થવાની આગાહી કરી છે. સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતા વધી રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

