સુરત, 24 સપ્ટેમ્બરઃ Surat BRTS Bus Accident : સુરત શહેરમાં હચમચાવી દે એવી ઘટના બની છે. શહેરના અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે 6 વર્ષના બાળકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું છે. બસે અડફેટે લેતાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. અકસ્માત થતાં તુરંત તેને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થઈ ગયું હતું.
હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી અણુવ્રત દ્વારા બ્રિજ નીચે જ પોતાના પરિવાર સાથે રહે છે. 6 વર્ષનું રૂદ્ર નામનું બાળક ગઈકાલે મિત્રો સાથે બ્રિજ નીચે રમી રહ્યું હતું, ત્યારે અચાનક રોડ ક્રોસ કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ ડ્રાઇવરે તેને અડફેટે લીધો હતો.
બસની ટક્કર વાગતા જ બાળકના માથામાં ગંભીર રીતે ઈજા પહોંચી અને લોહી વહેવા લાગ્યું હતું. જેથી તાત્કાલિક 108 બોલાવી બાળકને હોસ્પિલ ખસેડવામાં આવ્યું. પંરતુ, કમનસીબે બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ બાળકનું મૃત્યુ થઈ ગયું.

