Sri Lanka Navy

Sri Lanka Navy: શ્રીલંકન નેવીના ફાયરિંગમાં પાંચ ભારતીય માછીમાર ઘાયલ, યોગ્ય કાર્યવાહી કરવાની માગ

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ Sri Lanka Navy: શ્રીલંકાની નૌસેનાએ ડેલ્ફ્ટ દ્વિપ નજીક ભારતીય માછીમારો પર ગોળીબાર કરતાં પાંચ ઘવાયા છે. જેમાં બે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત છે. ભારતીય વિદેશ બાબતોના મંત્રાલયે શ્રીલંકાની નૌસેનાની આ કાર્યવાહીની આકરી નિંદા કરી છે. કોલંબોમાં પણ ભારતના હાઈકમિશને શ્રીલંકાના વિદેશ બાબતોના મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

આજે મંગળવારે વહેલી સવારે ડેલ્ફટ દ્વિપ પર શ્રીલંકાની નૌસેનાએ 13 માછીમારોની ધરપકડ કરવાના હેતુ સાથે ગોળીબાર કર્યો હતો. જેમાં તમિલનાડુના બે માછીમારોને ગંભીર ઈજા થઈ હતી. તેઓ હાલ જાફના ટિચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ત્રણ માછીમારોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સિવાય અન્ય તમામ માછીમારોની શ્રીલંકન સૈનાએ અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ Gupt Navratri 2025: આવતીકાલથી માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો વિશેષ મહત્વ

ભારતના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીની આકરી ટીકા કરતાં નવી દિલ્હી ખાતે શ્રીલંકાના એક્ટિંગ હાઈ કમિશનરને આ મામલે પૂછપરછ કરવા બોલાવ્યા હતાં. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ‘અમે આ મામલે આકરી ટીકા કરીએ છીએ. આ બાબતો ચલાવી લેવામાં આવશે નહીં. અમે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ જાફના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત માછીમારોની ઈન્ડિયન કોન્સ્યુલેટે મુલાકાત લીધી હતી. તેમને જરૂરી સારવાર અને વળતર આપવાની પણ માગ કરી છે.’

ભારતીય માછીમારો ડેલ્ફ્ટ દ્વિપ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમા ક્રોસ કરી રહ્યા હોવાના આરોપસર શ્રીલંકાની નૌસેનાએ આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. આ ગોળીબારમાં 2 માછીમારોને જીવલેણ ઈજાઓ થઈ હોવાથી ભારતીય વિદેશ મંત્રાલયે દખલગીરી કરી છે. પુડુચેરીના મુખ્યમંત્રીએ વિદેશ બાબતોના કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરને પત્ર લખી આ મામલે યોગ્ય પગલાં લેવાની માગ કરી હતી. તેમણે શ્રીલંકાની સરકારને ધરપકડ કરવામાં આવેલા માછીમારોને મુક્ત કરવાની માગ પણ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી, જાણો ક્યા અને ક્યારે પડશે વરસાદ?