જૂનાગઢ, 10 સપ્ટેમ્બરઃ Power Supply At Girnar : જૂનાગઢ ગિરનાર પર્વત પર છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલું વીજ પ્રવાહની ક્ષમતા વધારવા અને અંડરગ્રાઉન્ડ વીજ લાઈન રૂપાંતરિત કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેનું રાજ્ય ઊર્જા મંત્રીએ લોકાર્પણ કર્યું છે. જેથી હવે ગિરનાર પર્વત પર 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે.
ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર સુધી વીજ પ્રવાહ પૂરો પાડવા માટે અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવામાં આવી છે. નવરાત્રીના પહેલા જ દિવસે મા અંબાના ધામ ખાતે વીજ પ્રવાહ પહોંચતા હવે ગરવો ગિરનાર 24 કલાક પ્રકાશમય રહેશે.
આ પણ વાંચોઃ Ghatsthapana Muhurat: ઘટ-સ્થાપના એટલે નવરાત્રીના આરંભનું પ્રતીક, શુભ મુહૂર્ત સાથે અખંડ જ્યોતિના નિયમો
ચોમાસા અને શિયાળાની ઋતુમાં ભારે વરસાદ અને પવનના કારણે ગિરનાર પર્વત પર કાર્યરત ઓવરહેડ લાઈનોને નુકસાન પહોંચતું હતું. આ સાથે PGVCLના કર્મચારીઓને પણ તેનું રિપેરિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જ્યારે જંગલ વિસ્તારોમાં ઓવરહેડ લાઈનથી કોઈ અકસ્માત થવાના ભયના કારણે અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાનો વિકલ્પ જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હતો.
અંડરગ્રાઉન્ડ લાઈન મારફતે વીજ પુરવઠો પૂરો પાડવાની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી હતી. જ્યારે આઝાદી પછી પહેલી વખત ગિરનાર પર્વત પર અંડરગ્રાઉન્ડ વીજ પુરવઠાની લાઈન નાખવામાં આવી છે.
જૂનાગઢ ગિરનાર પર્વત પર અવારનવાર કોઈના કોઈ કારણોસર વીજ પ્રવાહ ખોરવાઈ જતો હતો. જેના કારણે અંબાજીના મંદિરમાં અંધારામાં આરતી અને દર્શન કરવા પડતા હતા. તો ભક્તોને પણ વહેલી સવારે અને મોડી સાંજે મંદિર સુધી જવામાં ભારે તકલીફ પડતી હતી. જેને લઈને મંદિરના મહંતોએ ગિરનાર પર્વત પર વીજ પુરવઠો શરૂ કરવાની માંગ કરી હતી. જે માંગ આખરે માતાજીની નવલી નવરાત્રિના પ્રથમ દિવસે માંગ પૂર્ણ થતા ભક્તોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

