Gpt 5

New ChatGPT Version: OpenAIએ લોન્ચ કર્યું GPT-5, નવા વર્ઝનના પર્ફોર્મન્સમાં કરવામાં આવ્યો વધારો- વાંચો વિગત

ટેક ન્યુઝ, 08 ઓગષ્ટઃ New ChatGPT Version: OpenAI દ્વારા GPT-5 લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં PhD લેવલનું ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચેટજીપીટીના દરેક યુઝર્સ અને ડેવલપર્સ આ નવા મોડલનો ઉપયોગ કરી શકશે. OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન મુજબ અગાઉના વર્ઝન કરતાં નવા વર્ઝનના પર્ફોર્મન્સમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. આઇફોન જ્યારે પહેલી વાર રેટિના ડિસ્પ્લે સાથે આવ્યો હતો ત્યાર બાદ અન્ય ડિસ્પ્લે કોઈને પસંદ નહોતી આવી રહી. ચેટજીપીટીના નવા વર્ઝનને સેમ ઓલ્ટમેન દ્વારા એની સાથે જ સરખાવી છે.

ચેટજીપીટીનું નવું વર્ઝન ખૂબ જ સ્માર્ટ, ઝડપી અને ઓછી ભૂલ કરનારું છે. આ વિશે સેમ ઓલ્ટમેન કહે છે, ‘GPT-3 સાથે વાત કરતાં હોય ત્યારે લાગ્યું હશે કે હાઇ સ્કૂલના બાળક સાથે વાત કરી રહ્યાં છે. GPT-4 સાથે વાત કરતાં લાગ્યું હશે કે કોલેજ સ્ટુડન્ટ સાથે વાત કરી રહ્યાં છે. જોકે GPT-5 સાથે વાત કરતાં તમને લાગશે કે PhD લેવલના એક્સપર્ટ સાથે કામ કરી રહ્યાં છીએ.’

ચેટજીપીટીના અઠવાડિયાના 700 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. આમ છતાં OpenAI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ટોચનું મોડલ નથી બની શક્યું. આથી હવે નવા વર્ઝનને કારણે OpenAIને આશા છે કે તે ટોચના સ્થાને આવી શકે છે. સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે કોડિંગ, રાઇટિંગ અને હેલ્થકેરમાં ચેટજીપીટીનું નવું વર્ઝન દુનિયાનું શ્રેષ્ઠ વર્ઝન છે. સામાન્ય ટાસ્ક કરવાની સાથે આ ચેટજીપીટી અન્ય પણ ઘણાં ટાસ્કમાં ખૂબ જ માહેર બની ગયું છે.

ચેટજીપીટીના અગાઉના વર્ઝનમાં અલગ-અલગ મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે આ નવું વર્ઝન સ્ટાન્ડર્ડ વર્ઝન અથવા તો રિઝનિંગ મોડલ જેવું કંઈ નથી. દરેક યુઝર માટે એક જ વર્ઝન આપવામાં આવ્યું છે. જોકે યુઝર્સ તેના સવાલ અનુસાર હવે જવાબ મેળવશે. ઉદાહરણ તરીકે કોમ્પ્લેક્સ સવાલ કરવામાં આવ્યો હોય અથવા તો વધુ વિચારવાનું કહેવામાં આવ્યું હોય તો આ મોડલ ઓટોમેટિક રિઝનિંગ મોડલની જેમ કામ કરશે. મોટાભાગના યુઝર્સ એક જ મોડલનો ઉપયોગ કરે છે તેઓ મોડલને બદલતા નથી. આથી ચેટજીપીટી દ્વારા યુઝર્સની સુવિધા માટે હવે એક જ મોડલ બનાવવામાં આવ્યું છે અને સવાલ અનુસાર મોડલ પોતાની રીતે કામ કરી લેશે.

આ પણ વાંચોઃ Flash Charging Bus: નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, સરકાર કરી રહી છે વિમાન જેવી સુવિધાવાળી 135 સીટર બસ શરૂ કરવાની તૈયારી

OpenAI દ્વારા ચેટજીપીટીનું નવું વર્ઝન દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જોકે ફ્રી યુઝર્સ માટે લિમિટ નક્કી કરવામાં આવી છે, પરંતુ એ શું છે એને જાહેર કરવામાં નથી આવ્યું. એક વાર આ લિમિટ પૂરી થઈ જતાં ફ્રી યુઝર્સ મિનિ મોડલનો ઉપયોગ કરી શકશે. જોકે એ ઓટોમેટિક બદલાવ થશે. યુઝરે કંઈ કરવાની જરૂર નથી. GPT-5ના APIનો ઉપયોગ કરનાર ડેવલપર્સ માટે આ વર્ઝન ત્રણ રીતે રજૂ કરવામાં આવ્યું છે: GPT-5, GPT-5 મિનિ અને GPT-5 નેનો, એમ દરેક માટે અલગ-અલગ કિંમત રાખવામાં આવી છે.

OpenAI દ્વારા GPT-5માં પર્સનાલિટી થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર તેમની ઇચ્છા અનુસારના રિસ્પોન્સ હવે મેળવી શકશે. ભાવશૂન્ય, રોબોટ જેવા, સાંભળનાર વ્યક્તિ અને માહિતીસભર વ્યક્તિ જેવી અલગ-અલગ પર્સનાલિટી તરીકે ચેટજીપીટી જવાબ આપે એ માટેના વિકલ્પ આપવામાં આવ્યા છે. આ સાથે જ યુઝર્સ પોતાની ઇચ્છા અનુસાર ચેટજીપીટીનો કલર પણ બદલી શકશે. ચેટજીપીટીના નવા વર્ઝનમાં કોડિંગની ગુણવત્તામાં ગજબનો સુધારો કરવામાં આવ્યો છે. હવે યુઝર્સને સોફ્ટવેર ઓન ડિમાન્ડ એટલે કે એક વાર કહેતાની સાથે મળી જશે. કોડિંગની ટેસ્ટમાં આ મોડલે દરેક બેન્ચમાર્કને ક્રોસ કરી નાખી હતી.

GPT-5 પર પાંચ હજાર કલાકથી વધુ સમય માટેનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. આ એક સેફ્ટી ટેસ્ટ હતો. આ મોડલની સેફ્ટી રિસર્ચ લીડ એલેક્સ બ્યુટેલ કહે છે, ‘અમારું સંપૂર્ણ ધ્યાન આ મોડલ યુઝર્સને ખોટું ન બોલે એના પર આપવામાં આવ્યું છે.’ OpenAIના o3 રિઝનિંગ મોડલ કરતાં GPT-5 ખૂબ જ ઓછા ખોટા જવાબ આપશે. જોકે આમ છતાં લાર્જ લેન્ગવેજ મોડલમાં સંપૂર્ણ વિશ્વાસ નહીં રાખી શકાય.

એલેક્સ બ્યુટેલ અનુસાર મોડલ જ્યારે એક એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરે ત્યારે જ એમાં વિશ્વાસપાત્રતાની ઉણપ જોવા મળે છે. જોકે હવે તેમણે GPT-5ને મલ્ટી સ્ટેપ ટાસ્ક ખૂબ જ સારી રીતે કરી શકે એ રીતે બનાવ્યું છે. ઉગાઉના મોડલમાં ચેટજીપીટી જે પણ સવાલોના જવાબ ન આપી શકતું હતું એ હવે આ વર્ઝન આપી શકશે. GPT-5 હવે સેફ્ટીને ધ્યાનમાં રાખીને તમામ સવાલોના જવાબ ખૂબ જ સાવચેતીપૂર્વક આપશે.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2025: આ વર્ષે રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત, વાંચો સંપૂર્ણ માહિતી