Murder Incident

Murder Incident: બોપલમાં વધુ એક હત્યા, લોહીથી લથપથ હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો- વાંચો વિગત

અમદાવાદ, 15 નવેમ્બરઃ Murder Incident: અમદાવાદના બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં લોહીથી લથપથ હાલતમાં એનઆરઆઇ આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ચહેરાના ભાગે અને માથાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેના આધારે પથ્થર જેવા બોથડ પદાર્થને લઈને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન છે.

શહેરના બોપલ વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. માઈકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા બાદ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. બોપલના મણિપુર નજીક આવેલ ગરોડિયા ગામની સીમમાં લોહીથી લથપથ હાલતમાં દિપક પટેલ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં બોપલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે માથાના ભાગે અને ચહેરાના ભાગે પથ્થર જેવા બોથડ પદાર્થ મારીને તેમની હત્યા કરી દેવામાં આવી છે. જોકે હત્યા કોણે અને શા માટે કરી છે તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.

આ પણ વાંચોઃ Cases of Dengue: ગુજરાતમાં વધ્યા ડેન્ગ્યુના કેસ, રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત નિપજ્યા- વાંચો વિગત

મૃતક દિપક પટેલ હેબતપુરના રહેવાસી છે અને જમીન દલાલીનું કામકાજ કરે છે. જોકે તેઓ મોટાભાગે તેમના પુત્ર અને પુત્રી સાથે અમેરિકા ખાતે રહે છે. પરંતુ દિવાળીનો પર્વ હોવાથી છેલ્લા બે અઢી મહીનાથી તેઓ અમદાવાદ આવ્યા હતા. ગત મોડી રાત્રે તેઓ એક કામ પતાવીને કલાકમાં આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા.

જોકે મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ ફોન કરીને તેમનો સંપર્ક કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમણે ફોન રિસીવ ન કરતા અંતે તેમણે પુત્રને જાણ કરી હતી. જેણે મોબાઈલ ફોનમાં એપ્લિકેશન મારફતે લોકેશન તપાસ કરતા ગરોડિયા ગામની સીમનું લોકેશન મળી આવ્યું હતું. જેથી તેમના વેવાઈ અને સગા સંબંધી ત્યાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાંથી દિપક પટેલનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતાં બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને એફ.એસ.એલ. તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિપક પટેલની ગાડીની પણ કોઈ ભાળ મળી આવી ન હતી. જોકે તે કોની સાથે ગયા હતા, ક્યાં ગયા હતા અને છેલ્લે મોબાઈલ પર કોની સાથે વાત કરી તે અંગે ટેકનિકલ એનાલિસિસ સાથે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Early Wake Up Tips: શું તમને પણ સવારે વહેલા ઉઠવામાં થાય છે તકલીફ? અપનાવો આ ટિપ્સ…