Mega Demolition Action

Mega Demolition Action: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, આજ સવારથી 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ

ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃ Mega Demolition Action: ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાબરમતી નદીના કાંઠે આવેલા GEB, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જોકે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પ્લાન્ડ સિટી ગાંધીનગરને ‘અન-પ્લાન્ડ’ બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે.

આ પણ વાંચોઃ AI trend photo: AI ટ્રેન્ડ વાળા ફોટો બનાવવામાં છે મોટો ખતરો, નાની ભૂલને કારણે ડેટા લીક થવાનો રહેશે ભય

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, એક તરફ નદી કિનારે વર્ષોથી રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધીનગરના મુખ્ય સેક્ટરોમાં થયેલા મોટા અને પાકા દબાણો સામે કોર્પોરેશનની નિષ્ક્રિયતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને સેક્ટર-13, સેક્ટર-20 અને સેક્ટર-24 જેવા વિસ્તારોમાં નકશા બહારના બાંધકામો અને મુખ્ય માર્ગો પર થયેલા દબાણો હજુ પણ યથાવત છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્રનો બુલડોઝર માત્ર ગરીબોના ઘર સુધી જ પહોંચી શકે છે? આ પાકા અને વગદાર લોકોના દબાણો પર કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરશે? એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ Pre Navratri Celebration: શ્રાદ્ધ દરમ્યાન અમેરિકામાં ગરબા યોજી ગરબા કલાકારો લાખો ડોલરની કરી રહ્યાં છે કમાણી…