અમદાવાદ, 28 જુલાઇઃ Heavy Rain Upadte: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે સોમવારે (28મી જુલાઈ) બપોરે એક વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 28, 2025
જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત પણ ગુજરાતના અન્ય શહેરોની પરિસ્થિતિ પણ વધુ ગંભીર છે. જાણો ભારે વરસાદ બાદ રાજ્યના શહેરોની સ્થિતિ વિશે….
અમદાવાદ
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે વટવા જેવા વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રસ્તાઓ જળમગ્ન રહ્યા હતા. સોલા બ્રિજ પાસે SG હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. નોકરી-ધંધા અર્થે જતા લોકોને ભરાયેલા પાણી અને ખોટકાયેલા વાહનોને કારણે પારાવાર હાલાકી ભોગવવી પડી, જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી. પ્રશાસનની નબળી કામગીરીને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જે હજુ પણ ઉતર્યા નથી, જે દર્શાવે છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અપૂરતી છે.
વડોદરા
વડોદરામાં પણ વરસાદે હાલાકી સર્જી છે. અટલાદરાના મુખ્ય માર્ગો સામાન્ય વરસાદમાં પણ પાણીથી ભરાઈ ગયા હતા. સૌથી ગંભીર સમસ્યા વોર્ડ નંબર એકના છાણી-બાજવા રોડ પરના બાજવા રેલવે ગરનાળાની છે. દર ચોમાસામાં આ ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જતાં છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા અને જીએસએફસી જેવા વિસ્તારોનો વ્યવહાર બંધ થઈ જાય છે. લોકો જીવના જોખમે ઊંચા રસ્તાઓ પરથી ટુ-વ્હીલર લઈને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ, પાંચ વર્ષથી રજૂઆતો છતાં કાયમી ઉકેલ નથી. હાલ પંપ દ્વારા પાણી ઉલેચવામાં આવે છે, પરંતુ બ્રિજ બનાવવાની યોજના પર રેલવે અને કોર્પોરેશન વચ્ચે ખર્ચના મુદ્દે નિર્ણય ન લેવાતા સમસ્યા વણઉકેલી રહી છે.
🔸તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત
🔸વ્યારા અને સોનગઢ તાલુકામાં એક એક ઈંચ વરસાદ
🔸વરસાદ પડતા નદીમાં પાણીની આવક
🔸તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે નદીમાં પાણી આવતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ
🔸લખાલીથી ચીજબરડી તરફ જતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ#tapi #dang #heavyrain pic.twitter.com/FaSS1lHD1O
— DD News Gujarati (@DDNewsGujarati) July 28, 2025
તાપી
તાપીના વ્યારા અને સોનગઢ તાલુકામાં વરસાદના કારણે નદીમાં પાણીની સારી આવક થઈ છે. પરંતુ, તાપી અને ડાંગમાં વરસાદના કારણે નદીમાં પાણી આવતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લખાલીથી ચીજબરડી તરફ જતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને અવર-જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠા
થરાદના મેઘાપુરા નજીક સુજલામ સુફલામ્ કાચી કેનાલ પરના બ્રિજનો સાઈડનો ભાગ ધોવાઈ ગયો છે. કેનાલનું પાણી પહોંચે તે પહેલાં જ પુલ ધોવાઈ જતાં સ્થાનિક લોકો અટવાયા છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
ભરૂચ
નેશનલ હાઈવે 48 પર ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. બિસ્માર માર્ગોના કારણે ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે.
ગાંધીનગર (કલોલ)
કલોલમાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તા પર ખોદેલા ખાડાઓ અને તૂટેલા રોડને કારણે નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જે તંત્રની નબળી કામગીરીનો આયનો છે.
🔸ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં અવિરત વરસાદ
🔸અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ
🔸જિલ્લાના છ જેટલા માર્ગ ઓવર ટોપિંગને કારણે બંધ#dang #rain pic.twitter.com/IU5PsUsSNZ
— DD News Gujarati (@DDNewsGujarati) July 28, 2025
ડાંગ
વળી, ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં પણ છેલ્લાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ સિવાય જિલ્લાના 6 જેટલા માર્ગને ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Somalalit School: સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કુદેલી વિદ્યાર્થિનીનું સારવાર બાદ મોત, જાણો શું છે મામલો?

