સુરત, 21 ઓક્ટોબરઃ Drugs Party in Surat: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સીઆઇડી ક્રાઇમે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. આ રેડમાં 9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતિઓને કોણે બોલાવી હતી વગેરેને પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાશે.

