DNA Sample Match

DNA Sample Match: 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 158ના મૃતદેહ સોંપાયા- રાજ્યગૃહ મંત્રીએ આપી માહિતી

અમદાવાદ, 18 જૂનઃ DNA Sample Match: અમદાવાદમાં 12 જૂને અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલ ખાતે અથડાયું હતું. જેમાં 279 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી શરૂ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 202 મૃતકોના DNA મેચ થઈ ચુક્યા છે. જોકે, હજુ સુધી DNA મેચ કરવાની પ્રક્રિયા શરૂ છે.

ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બુધવાર સુધીમાં 202 મૃતકોના ડીએનએ મેચ થઈ ચુક્યા છે. જેમાં 181 મૃતકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી 158 મૃતદેહોને પરિવારને સોંપી દેવાયા છે. આ આંકડા તેમણે બપોરે એક વાગ્યે જાહેર કર્યા હતા.


આ પણ વાંચોઃ Heavy Rainfall: ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

મળતી માહિતી મુજબ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીઓમાંથી સારવાર માટે દાખલ કરવામાં આવેલા 71 દર્દીઓમાંથી 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જોકે, બાકીના 69માંથી 42ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ હજુ ખૂબ ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, 30 મેડિકલ વિદ્યાર્થીઓમાંથી હવે ફક્ત એક જ સ્ટુડન્ટ દાખલ છે, અન્યને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

ડૉ.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.

આ પણ વાંચોઃ Pilot Rajveer Singh: કેદારનાથના ગૌરીકુંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ પાયલોટની અંતિમ વિદાય, પત્નીએ યુનિફોર્મમાં આપી શ્રદ્ધાજલિ