Diwali Festival

Diwali festival: UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ‘દિવાળી તહેવાર’ સામેલ, PM મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા

નવી દિલ્હી, 10 ડિસેમ્બરઃ Diwali festival: દેશભરમાં વસતા અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લાખો-કરોડો લોકોને ગર્વ સમાન એક સમાચાર હાલ સામે આવી રહ્યા છે. કારણ કે ભારતભર સહિત વિશ્વભરમાં ધામધૂમથી ઉજવાતા હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત તહેવારોમાંનાં એક તહેવાર દિવાળીને આજે બુધવારે યુનેસ્કો(UNESCO Intangible Heritage List)ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવામાં આવ્યો છે. દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલી યુનેસ્કોની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુનેસ્કોના નિર્ણયને આવકારી ભારતભરના લોકોને શુભકામનાઓ પાઠવી છે.

વિગતવાર વાત કરીએ તો, ભારત સહિત દૂનિયાભરના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે UNESCOની આંતર-સરકારી સમિતિનું વાર્ષિક સત્રનું હાલ દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. જેમાં વિશ્વના 78 દેશોના પ્રતિનિધિઓ વિશ્વભરમાં જીવંત સાંસ્કૃતિક પરંપરાઓનું જતન અને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક નામાંકનોની તપાસ કરી રહ્યા છે. દરમિયાન આજે બુધવારે UNESCOની આ ખાસ કમિટિને ભારતના મોટામાં મોટા ગણાતા તહેવાર દિવાળી(દિપાવલી-Diwali)ને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી સામેલ કર્યો છે. UNESCOએ નોંધ લીધી છે કે સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરવામાં આ યાદી મદદ કરે છે અને ભવિષ્યની પેઢીઓ માટે વારસાનું રક્ષણ કરે છે.

આ પણ વાંચોઃ Aadhaar Verification: UIDAI એ નિયમો બદલ્યા, હવે આધાર કાર્ડ ઝેરોક્ષની જરૂર નહિ પડે – વાંચો વિગત

આ મોટી જાહેરાત થતા જ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “ભારત અને વિશ્વભરના લોકો ખૂબ જ રોમાંચિત છે”. “આપણા માટે, દીપાવલી આપણી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે. તે આપણી સભ્યતાનો આત્મા છે. તે પ્રકાશ અને ન્યાયીપણાને વ્યક્ત કરે છે,” PM મોદીએ આગળ કહ્યું કે, યુનેસ્કો દ્વારા માન્યતા દિવાળીની વૈશ્વિક દૃશ્યતાને વધુ વધારશે. સાથે જ “પ્રભુ શ્રી રામના આદર્શો આપણને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતા રહે.”

નોંધનીય છે કે, આ કાર્યક્રમના ભાગરૂપે દિલ્હી સરકારે હાલ અનેક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે, જેમાં દિલ્હીના મુખ્ય સ્થળો પર ખાસ રોશની, મુખ્ય રસ્તાઓ પર થીમ આધારિત સજાવટ અને વિશાળ દીવાપ્રકાશ સમારોહનો સમાવેશ થાય છે. દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી આ ક્ષણને “આનંદની ક્ષણ” ગણાવી છે અને ઉમેર્યું કે, દીપાવલીની વૈશ્વિક સ્તરની ઉજવણી છે, જેની નવીનીકરણ અને આશા સાથેની થીમે તેને યુનેસ્કોની આ વારસાની યાદીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો બનાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રકાશનો તહેવાર, દિવાળી એક મુખ્ય ભારતીય તહેવાર છે જે અંધકાર પર પ્રકાશ, અનિષ્ટ પર સારા અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે. તે હિન્દુઓ, જૈનો, શીખો અને કેટલાક બૌદ્ધો દ્વારા દીવા (દીવા), ફટાકડા, તહેવારો અને ભેટો સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર વિવિધ દંતકથાઓની યાદમાં ઉજવવામાં આવે છે, જેમ કે ભગવાન રામનું અયોધ્યામાં પાછા ફરવું (હિન્દુ ધર્મ) અથવા ભગવાન મહાવીરનું નિર્વાણ (જૈન ધર્મ), અને ઘણીવાર હિન્દુ નવા વર્ષને ચિહ્નિત કરે છે, જેમાં કૌટુંબિક મેળાવડા, ઘરની સજાવટ (રંગોળી) અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે.

પહેલીવાર બન્યું છે કે, જ્યાં ભારત અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે આંતર-સરકારી સમિતિ (ICH) ના સત્રનું આયોજન કરી રહ્યું છે. UNESCO આ સમિતિનું 20મું સત્ર છે, જે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાઈ રહ્યું છે. જેમાં આજે 10 ડિસેમ્બરને બુધવારે યુનેસ્કો દ્વારા દિવાળીના તહેવારને પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે જાહેરાત થતા જ વાતાવરણ ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. આ ઉપરાંત ભારતમાં હાલમાં પંદર એવી વસ્તુઓ છે કે, જેઓનો સમાવેશ યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં થાય છે, જેમાં કુંભ મેળો, કલકતામાં દુર્ગા પૂજા, ગુજરાતનું ગરબા નૃત્ય, યોગ, વૈદિક મંત્રોચ્ચારની પરંપરા અને રામલીલા – મહાકાવ્ય ‘રામાયણ’નું પરંપરાગત પ્રદર્શન શામેલ છે.

આ પણ વાંચોઃ Lips Care Tips: હોઠની સુંદરતા જાળવવા અને ફાટેલા હોઠથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય