બિઝનેસ ડેસ્ક, 05 જૂનઃ Credit Card : દેશમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. પરંતુ હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. HDFC અને ICICI જેવી મોટી ખાનગી બેન્કોએ 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ અને બેન્કિંગ સેવાઓ પરના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બંને બેન્કોએ સત્તાવાર સૂચનાઓ દ્વારા તેમના ગ્રાહકોને આ ફેરફારોની માહિતી મોકલી છે. HDFC બેન્કે ક્રેડિટ કાર્ડ યુઝર માટે, ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ, ડિજિટલ વોલેટ અને યુટિલિટી પેમેન્ટ સંબંધિત વ્યવહારો માટે નવા ચાર્જની જાહેરાત કરી છે.
જો કોઈ HDFC બેન્ક ગ્રાહક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, તો તેણે તે મહિનાના કુલ ખર્ચ પર 1% ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ દર મહિને 4,999 રૂપિયાથી વધુ નહીં હોય. આનો અર્થ એ છે કે તમે ગમે તેટલો ખર્ચ કરો, તમારે 4999 રૂપિયાથી વધુ ચાર્જ નહિ ચૂકવવો પડે.
તેવી જ રીતે જો કોઈ ગ્રાહક થર્ડ પાર્ટી વોલેટમાં મહિનામાં રૂ.10,000થી વધુ જમા કરાવે છે, તો તેની પાસેથી સમગ્ર રકમ પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. યુટિલિટી પેમેન્ટ માટે પણ, જો તમારો કુલ ખર્ચ મહિનામાં 50,000 રૂપિયાથી વધુ થાય છે, તો તમારે 1% ચાર્જ ચૂકવવો પડશે. તેમજ વીમા પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.
આ પણ વાંચોઃ BCCI Action: બેંગલુરુમાં વિક્ટરી પરેડ દરમિયાન નાસભાગની દુર્ઘટના બાદ BCCI એક્શન મોડમાં- વાંચો શું છે મામલો?
HDFC બેન્કે ભાડું, ફ્યુઅલ અને શિક્ષણ વ્યવહારો માટે ચાર્જ મર્યાદામાં પણ ફેરફાર કર્યો છે. જેમાં ભાડા ચુકવણી પર પહેલાની જેમ 1% ચાર્જ જ રહેશે. ફ્યુઅલ ખર્ચ 15,000 રૂપિયાથી વધુ હોય, તો તેના પર 1% ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ તમારે 4999 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે નહીં.
ICICI બેન્કે કેટલાક સર્વિસ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. હવે, રોકડ જમા કરાવવા, ચેક જમા કરાવવા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર વ્યવહારો માટે અલગ ચાર્જ લાગશે. હવે ગ્રાહકોએ દર 1000 રૂપિયા માટે 2 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ મીનીમમ ચાર્જ 50 રૂપિયા અને મેક્સીમમ ચાર્જ 15000 રૂપિયા રહેશે. અગાઉ, બેન્ક 10,000 રૂપિયા સુધીની રકમ માટે 50 રૂપિયા અને તેનાથી ઉપરની રકમ માટે દરેક 1000 રૂપિયા માટે 5 રૂપિયા વસૂલતી હતી.
નવા નિયમો અનુસાર, ફક્ત તે ક્રેડિટ કાર્ડ ધારકોને મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ સુવિધા મળશે જેમણે છેલ્લા ક્વાર્ટરમાં કાર્ડમાંથી ઓછામાં ઓછા 75,000 રૂપિયા ખર્ચ કર્યા છે. આ મફત લાઉન્જ સુવિધા ત્રણ મહિના માટે ઉપલબ્ધ રહેશે. ભાડું, શિક્ષણ, સરકારી સુવિધાઓ, EMI, શાળા ફી સંબંધિત ખર્ચ 75,000 રૂપિયાની મર્યાદામાં સામેલ કરવામાં આવશે નહીં.
આ સાથે જ ICICIએ ATMના વપરાશ પરના ચાર્જમાં પણ વધારો કરી દીધો છે. અન્ય બેન્કના ATMમાંથી ત્રણ ફ્રી વ્યવહારો પછી, ICICI બેન્ક હવે નાણાકીય વ્યવહારો માટે 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 8.5 રૂપિયા ચાર્જ કરશે.
આ પણ વાંચોઃ NEET Exam Postponed: NBEMSનો નિર્ણય, NEET PG 2025ની પરીક્ષા સ્થગિત- જાણો શું છે કારણ?

