Agricultural Relief Package

Agricultural Relief Package: ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત સરકારે 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત- વાંચો વિગત

ગાંધીનગર, 24 ઓગષ્ટઃ Agricultural Relief Package: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આગળ તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ PM Modi Visits Ukraine: પીએમ મોદી યુક્રેનની મુલાકાતે, વડાપ્રધાને યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે.

રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો:

(1) ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(2) વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5,000 સહાય મળી કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(3) બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ પણ વાંચોઃ canceled Sheikh Hasina’s passport: હવે ભારત છોડી અન્ય દેશોમાં જવા માટે શેખ હસીનાને થશે મોટી તકલીફ, બાંગ્લાદેશ સરકારે પાસપોર્ટ કર્યો રદ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઇ, 2024ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.