Gujarat Rain

Heavy Rain: રાજ્યમાં 8 કલાકમાં 101 તાલુકામાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ- વાંચો વિગત

અમદાવાદ, 16 જૂન: Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. રાજ્યમાં આજે સોમવારે (16 જૂન) સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 78 થી વધુ તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 101થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 9.06 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 7.28 ઈંચ, ભાવનગરના મહુવામાં 6.93 ઈંચ, તળાજામાં 3.31 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 3.03 ઈંચ, ભાવનગરના સિહોરમાં 2.72 ઈંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 2.28 ઈંચ, રાજકોટના જેતપુરમાં 2.05 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે જૂનાગઢ, વલસાડના ઉમરગામ, ગીર સોમનાથના ઊના, અમરેલીના ખાંભા, ગીર સોમનાથ, સુત્રાપાડા, અમરેલીના લિલિયા, તાપીના ડોલવણ, જૂનાગઢના ભેસણ, અમરેલીના જાફરાબાદ, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથના તલાલા, ભરૂચના હાંસોટ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના 78 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રીએ કહ્યું, તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે- વાંચો વિગત

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે બપોરના સમયે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાલિતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. આ ઉપરાંત શિહોરના વરલ, બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે. જ્યારે વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Israel-Iran Tension: ઈઝરાયલ-ઈરાન વચ્ચે સ્થિતિ ગંભીર, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન- વાંચો વિગત