અહેવાલઃ સમીર શુક્લ
Naramada River: સરદાર સરોવર ડેમ માટે વર્ષ સને 1947 માં નર્મદા યોજનાનું મોજણી અને સંશોધનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને 1960 માં ભારત સરકાર દ્વારા નિમણૂંક કરાયેલ કન્સલ્ટન્ટઓએ નવાગામ બંધ સ્થળની મુલાકાત લીધી સરોવરની પૂર્ણ જળ સપાટી 320 ફૂટની ભલામણ કરી એ અરસામાં 1લી મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. વર્ષ 1961 માં નર્મદા યોજના ભરૂચ સિંચાઈ યોજનાને ગુજરાત સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી ભારતના તાત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ ભરૂચ સિંચાઈ યોજના (નર્મદા યોજના) જેની પૂર્ણ જળસપાટી 161 ફૂટ માટે તા. 5મી એપ્રિલ-1961 ના રોજ પાયાનો પથ્થર મૂક્યો.
વર્ષ સને 1965માં ડૉ.એ.એન. ખોસલા ઓરિસ્સાના ગવર્નરો તથા એન.ડબલ્યુ.આર.ડી.સી. ના ચેરમેન નવાગામ બંધની મુલાકાત લીધી. એપ્રિલ માસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળસંધિ કરાર થયા તથા સપ્ટેમ્બર માસમાં નર્મદા પાણી પ્રાપ્તિ સ્થાન વિકાસ સમિતિએ નવાગામ બંધની પૂર્ણ જળસપાટી 500 ફૂટ રાખવી તેવો અહેવાલ રજૂ કર્યો.
ત્યારબાદના વર્ષોમાં આ સરદાર સરોવર ડેમની પ્રગતિ–અંતરાયો આવતા ગયા અને તબક્કાવાર તેનું નિરાકરણ અને સંવાદ થકી સમસ્યાનો ઉકેલ કાઢતા ગયા અને સરદાર સરોવરના સ્વપ્નને આગળ ધપાવતા ગયા પૂર્ણતાને આરે સંકલ્પબધ્ધ રીતે મૂર્તિમંત કરવાના સામૂહિક પ્રયાસ થકી આજે આ સરદાર સરોવર ડેમ ત્રણ રાજ્યોને સુખ-સુવિધા પ્રદાન કરીને લોકઉપયોગી બહુહેતુક યોજના સાબિત થઈ છે.
ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર ડેમ યોજના તેની જળાશયની સપાટી 138.68 મીટર (455 ફૂટ) મહત્તમ પર પહોંચે ત્યારે ડેમ ઓવરફ્લો થાય છે અને ડેમ પૂર્ણ સપાટીએ ભરાય ત્યારે આહલાદક અને મનમોહક લાગે છે. જ્યારે તેના ગેટ ખોલવામાં આવે ત્યારે પ્રવાસીઓને આનંદનો પાર રહેતો નથી તેને જોવા માટે ડેમ વ્યુ પોઈન્ટની સુવિધા પણ વિકસાવી છે. રેવાનું રૈમ્ય સ્વરૂપ જોઈને સૌ કોઈ પુલકિત થઈ જાય છે અને તે ક્ષણ અદભૂત હોય છે.
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમનું કામ પૂર્ણ કરવામાં ખૂબ જહેમત ઉઠાવી છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી માત્ર 17 દિવસ માંજ તારીખ 12 જૂન 2014ના રોજ નર્મદા ડેમનું બાકી કામ પુરૂ કરવાની મંજૂરી આપી તરત જ ડેમની ઊંચાઈ વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને ડેમના 30 દરવાજાઓ બેસાડવાની કામગીરી તારીખ 10 જુલાઈ 2016ના રોજ 9 માસ વહેલાં પૂર્ણ કરવામાં આવ્યું ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી તા. 17 જૂન 2017ના રોજ મુખ્ય બંધના બધાજ 30 રેડિયલ ગેટસને બંધ કરવામાં આવ્યા અને માનનીય વડાપ્રધાન દ્વારા તા. 17 સપ્ટેમ્બર 2017ના રોજ દરવાજા બંધ કરીને ડેમને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો.
રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ-5 વખત વર્ષ 2019, 2020, ,2022, 2023 અને 2024 માં તેની મહત્તમ સપાટીએ ડેમ ભરાયો છે આ ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચે ત્યારે તેની જળ સંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘન મીટર પાણી સંગ્રહાય છે. આ ડેમ કૃષિ, પીવાના પાણી અને વીજળી પુરવઠા માટે દેશને મહત્વ પૂર્ણ સાબિત થયો છે અને ગુજરાતના ભવિષ્ય માટે સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે ગુજરાતની પ્રગતિમાં નર્મદા યોજનાનો અમુલ્ય ફાળો છે.
નર્મદા નદીના પાણીથી સુજલામ્ સુફલામ્ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના દાંતીવાડા, મુક્તેશ્વર, ધરોઇ વિગેરે ૩ મોટા-મધ્યમ ડેમોમાં પાણી નાખવામાં આવે છે અને 909 તળાવો ભરવામાં આવ્યા છે. નર્મદા યોજના દ્વારા સૌની યોજનામાં 115 ડેમોમાં પાણી નાખવામાં આવે છે તથા નાના-મોટા ચેકડેમોમાં પાણી ભરવામાં આવે છે.
નર્મદા યોજના દ્વારા 10,014 ગામો 183 શહેરો તથા 7 મહાનગર પાલિકાઓ મળીને ગુજરાતની આશરે 4 કરોડની પ્રજાને નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ યોજનાથી ગુજરાતની અંદાજે 17.92 લાખ હેક્ટર જમીન અને રાજસ્થાનની 2.46 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે એટલે કે, ડેમ તા.11 August 2024ના રોજ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું તેના 51 દિવસ સુધી ઓવરફ્લો થયો અને કુલ 10,012 મીલીયન ધનમીટર ( 8.177 MAI ) ઓવરફ્લો થયો ચાલુ વર્ષે નર્મદા બંધના ઓવરફ્લો દરમ્યાન રાજ્યની 10નદીઓ જેવી કે, પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલ છે.
નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી 743 કિ.મી.ની યાત્રા પુરી કરીને કચ્છના છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી રાજ્યના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
– samnews18@gmail.com


