Heavy Rain 1

Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ, આજે આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યુ એલર્ટ- વાંચો વિગત

અમદાવાદ, 22 ઓક્ટોબરઃ Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસું વિધિવત પૂર્ણ થવા છતાં હજુ વરસાદ અવિરત ચાલું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે (22મી ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ CIF Global Indian Award: સદ્‍ગુરુને મળ્યો પ્રતિષ્ઠિત CIF ગ્લૉબલ ઇન્ડિયન એવોર્ડ, પુરસ્કારની રકમ સદ્‍ગુરુ ‘કાવેરી કૉલિંગ’ સંસ્થાને આપશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (22 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, ‘આગામી 22મી ઓકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.’

આ પણ વાંચોઃ Remo D’Souza: કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, સોશિયલ મીડિયા દ્વારા રેમોએ જણાવી હકીકત