અમદાવાદ, 02 ડિસેમ્બરઃ Gujarat Police Recruitment: જો તમે પણ સરકારી નોકરી અને ખાસ કરીને પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવો છો અને લાંબા સમયથી સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છો તો, તમારા માટે હાલ સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે હાલ PSI કેડરની 858 જગ્યાઓ પર તથા લોકરક્ષક કેડરની અધધ 12933 જેટલી જગ્યાઓ એટલે કે કુલ 13591 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરી છે.
પો.સ.ઈ. કેડર(PSI Cadre) =1. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર- 659;2. હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર- 129;3. જેલર ગૃપ-૨- 70;કુલ ખાલી જગ્યા – 858
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત.. pic.twitter.com/XwFnQ6k3LX
— Gujarat Police (@GujaratPolice) November 30, 2025
PSI કેડરની શૈક્ષણિક લાયકાત: ભારતમાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટીમાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતક(બેચલર ઉ.દા.B.A., B.Com)ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો PSI કેડરની ભરતી માટે અરજી કરી શકે છે.
લોકરક્ષક કેડર(Lokrakshak Cadre) =1. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- 6942;2. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- 2458;3. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)- 3002;4. જેલ સિપાઈ (પુરૂષ)- 300;5. જેલ સિપાઈ (મહિલા / મેટ્રન)- 31;કુલ ખાલી જગ્યા -12933
લોકરક્ષક કેડર માટે શૈક્ષણિક લાયકાત: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર-માધ્યમિક શાળાની પરીક્ષા પાસ કરી હોવાનું પ્રમાણપત્ર ધરાવતા એટલે કે ધોરણ 12 પાસ ઉમેદવારો અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો લોકરક્ષક કેડરની ભરતીમાં અરજી કરી શકે છે. આ ઉપર જણાવેલી તમામ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઈટ તથા ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે.
આ રીતે કરો અરજી
પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ (જાહેરાત) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.03/12/2025ના રોજ અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સૂચનાઓ (જાહેરાત) કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ક્યારથી શરૂ થશે ભરતી પ્રક્રિયા?:
પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ તા.03/12/2025 (બપોરના કલાક: 2 વાગ્યા)થી તા.23/12/2025 (રાતે 12 વાગ્યા) સુધી OJASની વેબસાઈટ http://ojas.gujarat.gov.in ઉપર સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા પછી કન્ફર્મ(CONFIRM) કરીને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.

