ધર્મ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃ Pitru Paksha: હિન્દુ કેલેન્ડર મુજબ, વર્ષ 2025માં પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર રવિવારના રોજથી શરુ થઇ ગયો છે, આ દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ હતુ. આ શ્રાદ્ધ પક્ષ જેને પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે જે 21 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થશે.
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસોમાં પિતૃઓ ધરતી ઉપર પોતાના કુળના લોકોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે અને શ્રાદ્ધ-તર્પણ કરીને સંતુષ્ટ થઈને પોતાના ધામ જતા રહે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે.
શ્રાદ્ધ એટલે પિતૃ યજ્ઞના 16 દિવસ- અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે, ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. સાથે જ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ. આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ, વિષ્ણુ, નારદ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતા જ પિતૃ મૃત્યલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે. એટલે, આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે.
કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર-
– ગૌતમધર્મસૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ-પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
– પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ. પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
– વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે.
માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે.
– માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે.
– દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

