4 Gujarati Kidnapped In Iran

4 Gujarati kidnapped: ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાન ખાતે બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પરત ફર્યા, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ 4 Gujarati kidnapped: ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવકો આખરે હેમખેમ વતન પરત ફર્યા છે. ચારેય યુવકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય સભ્યો વતન પરત ફરતા પરિવારજનોએ હાલ રાહતનો શ્વાસ લીધો છે.

વતન પરત ફર્યા બાદ બંધક બનાવવામાં આવેલા આ પરિવારને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. હાલ ચારમાંથી બે લોકો ક્રાઇમ બ્રાન્ચ હાજર થયા છે અને અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હાલ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની સિલસિલાબંધ પૂછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. જો યુવકો પોલીસ ફરિયાદ કરવા માંગતા હશે, તો અપહરણ, ખંડણી અને છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં, આ ચારેય યુવકોને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે વધારો- વાંચો વિગત

બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓએ આ યુવકોને બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના વસ્ત્રો ઉતારીને, હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને પૈસાની સતત માંગણી કરવામાં આવતી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ દ્વારા પરિવારજનોને મોકલ્યો હતો, જેમાં યુવકો “હવે સહન થતું નથી” કહીને કરગરતા જોવા મળ્યા હતા. અપહરણકર્તાઓએ શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

બાપુપુરાના સરપંચ પ્રકાશ ચૌધરીએ આપેલી માહિતી મુજબ, પરિવારોએ લાંબી વાટાઘાટો બાદ અંતે 50 લાખ રૂપિયાની રકમ ચૂકવીને પોતાના સ્વજનોનો છૂટકારો કરાવ્યો છે. આ યુવકો હાલ ઈરાનથી ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે.

આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી હતી. સૂત્રોના મતે, આ કિસ્સો ફેક ટ્રાવેલ એજન્સીની છેતરપિંડીનું પરિણામ પણ હોઈ શકે છે. વિદેશ મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી અને ભારતીય દૂતાવાસ સતત ઈરાન સરકારના સંપર્કમાં રહીને મુક્તિની કાર્યવાહી કરાવી હતી. જોકે, કયા એજન્ટે તેમને ઑસ્ટ્રેલિયા મોકલ્યા હતા અને ઈરાન સુધી પહોંચાડ્યા હતા, તે અંગેની વિગતો હજુ મળી નથી. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Shreyas Health Update: શ્રેયસ અય્યર ICUમાં દાખલ, BCCIએ આપી મેડિકલ અપડેટ