રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું. આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા હતા. આ સાથે જ બહુમાળી ચોક આસપાસ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ તકે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની છે. જેથી વહેલી તકે તેમની ટિકિટ રદ કરવામાં આવે અન્યથા ઉગ્ર લડત લડવામાં આવશે. આ ઉપરાંત કલેકટર મારફત ભાજપ પક્ષ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાજ્ય સરકારને કહેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ તકે અન્ન ત્યાગ ઉપર ઉતરેલા પદ્મિનીબા વાળાએ રૂપાલા ની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ ન કરવાનું એલાન કર્યું છે તો તેમની સાથે અન્ય 50 બહેનો પણ જોડાઈ છે. આ તકે પદ્મિનીબા બેભાન થઈ ઢળી પડ્યા હતા. રૂપાલાના વિરોધમાં રાજકોટમાં થયેલ મહારેલી ક્ષત્રિયોનો જનસૈલાબ ઉમટ્યો હતો.

